
Kidney Stone (પથરીની બીમારી)
પથરી એ ઘણા દર્દીઓમાં જોવા મળતો એક મહત્ત્વનો કિડનીનો રોગ છે. પથરી અસહ્ય દુખાવો કરી શકે છે પરંતુ ઘણા દર્દીઓમાં પથરી હોવા છતાં દર્દીને કોઈ જ તકલીફ નથી હોતી.
અમુક દર્દીઓમાં પથરીની સમયસર સારવાર ન લેવામાં આવે તો પથરી, પેશાબમાં ચેપ અને કિડનીને નુકસાન પણ કરી શકે છે. એકવાર પથરી થાય તો વારંવાર પથરી થવાનું એ ખૂબ જ સામાન્ય છે. તેથી પથરી વિશે અને તેને અટકાવવાના ઉપાયો વિશે જાણવું જરૂરી છે.
પથરી એટલે શું?
પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.
પથરી કેવડી હોય છે? તે કેવી દેખાય? તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે?
મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી મોટી પણ હોઈ શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ વાટે બહાર નીકળી શકે છે.
અમુક પથરી ખરબચડી હોય છે, અસહ્ય દુખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી.
પથરી મુખ્યત્વે કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં અને ક્યારેક મૂત્રનળીમાં પણ જોવા મળે છે.
પથરીના પ્રકાર
કિડનીમાં પથરી કેટલા પ્રકારની હોય છે?
કિડનીની પથરી ચાર પ્રકારની હોય છે :
૧. કૅલ્શિયમની પથરી (Calcium Stones) :
આ પ્રકારની પથરી સૌથી વધુ (આશરે ૭૦-૮૦%) પથરીના દર્દીઓમાં જોવા મળે છે. કૅલ્શિયમની પથરી બનવાનું કારણ વધુ દર્દીઓમાં કૅલ્શિયમ ઓક્ઝલેટ અને ઓછા દર્દીઓમાં કૅલ્શિયમ ફોસફેટ છે.
૨. સ્ટ્રુવાઈટ પથરી (Struvite Stones) :
સ્ટ્રુવાઈટ (મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ) પથરી : આશરે ૧૦-૧૫% પથરીના દર્દીઓમાં જોવા મળે છે. આ પ્રકારની પથરી પેશાબ અને કિડનીમાં ચેપનું કારણ બને છે. આ પ્રકારની પથરી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
૩. યુરિક ઍસિડની પથરી (Uric Acid Stones) :
યુરિક ઍસિડની પથરી ખૂબ ઓછા (આશરે ૫-૧૦%) પથરીના દર્દીઓમાં જોવા મળે છે. પેશાબમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય અને પેશાબ સતત એસિડિક હોય ત્યારે આ પ્રકારની પથરી થવાનું જોખમ રહે છે. ગાઉટ (gout), માંસાહારી ખોરાક, શરીરમાં ઓછી માત્રામાં પ્રવાહી અને કૅન્સર માટેની કેટલીક દવાઓ (Chemotherapy) બાદ આ પ્રકારની પથરી થવાનું જોખમ વધારે રહે છે. યુરિક એસિડની પથરી પારદર્શક ન હોવાથી એક્સ-રેની તપાસમાં દેખાતી નથી.
૪. સિસ્ટીન પથરી (Cystine Stones) :
આ પ્રકારની પથરી ખૂબ જ ઓછા પ્રમાણમાં અને અમુક વારસાગત સિસ્ટીન્યુરિયાવાળા દર્દીઓમાં જ જોવા મળે છે. પેશાબમાં વધુ પ્રમાણમાં સિસ્ટીન(Cystine)ને સિસ્ટીન્યુરિયા કહેવાય છે.
સ્ટેગહોર્ન (Staghorn Stone) એટલે શું?
આ પ્રકારની પથરી ખૂબ જ મોટી સ્ટ્રુવાઈટ પ્રકારની પથરી હોય છે, જે આખી કિડનીમાં પથરાયેલી હોય છે. આ પથરી હરણના શિંગડા જેવી દેખાતી હોવાથી આ પથરીનું નામ સ્ટેગ (Stag = હરણ) હોર્ન(Horn = શિંગડા) સ્ટેગ હોર્ન પડ્યું છે. મોટા ભાગના દર્દીઓમાં આ પ્રકારની પથરીનું નિદાન ઘણું મોડું થાય છે, કારણ કે આ પ્રકારની પથરીમાં દુખાવો ખૂબ જ ઓછો થાય છે અથવા જરા પણ થતો નથી. આ પ્રકારની પથરીનું કદ મોટું પરંતુ દુખાવો નહિવત હોવાથી તે કિડનીને પણ ખૂબ નુકસાન કરી શકે છે.
કારણો
શા માટે પથરી અમુક વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે છે? પથરી થવાનાં મુખ્ય કારણો કયા છે?
મોટા ભાગના લોકોમાં પેશાબમાંનાં ખાસ જાતનાં રસાયણો ક્ષારના કણોને ભેગા થતા અટકાવે છે જેથી પથરી બનતી નથી. અમુક લોકોમાં નીચેનાં કારણોને લીધે પથરી થવાની શક્યતા રહે છે :
- ઓછું પાણી પીવાની ટેવ
- વારસાગત પથરી થવાની તાસીર
- ખોરાક : માંસાહારી (વધુ પ્રોટીન ધરાવતો) ખોરાક, ખોરાકમાં નમક(Salt) અને ઓક્ષલેટનું વધુ પ્રમાણઅને ખોરાકમાં ફળો અને પોટેશિયમનું ઓછું પ્રમાણ
- પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ઘણું જ વધારે જોવા મળે છે. કિડનીની પથરી હોય તેવાં દર્દીઓમાંના ૭૫% અને મૂત્રાશયની પથરી હોય તેવા દર્દીઓમાંના ૯૫% પુરુષો હોય છે
- લાંબો સમય પથારીવશ રહેવું
- જે વ્યક્તિઓ ખૂબ ગરમ કે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય.
- વારંવાર મૂત્રમાર્ગનો ચેપ
- મૂત્રમાર્ગમાં અવરોધ
- ખોરાકમાં વિટામિન-સી કે કૅલ્શિયમનું અત્યંત વધારે પ્રમાણ
- હાઈપર પેરાથારોઈડિઝમની તકલીફ
ચિહનો
પથરીનાં લક્ષણો :
પથરીનો દુખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યા પ્રકારની છે તેના પર આધાર રાખે છે.
- સામાન્ય રીતે પથરીની બીમારી ૩૦થી ૪૦ વર્ષની ઉંમર દરમિયાન અને સ્ત્રી કરતાં પુરુષોમાં ત્રણથી ચાર ગણી વધારે જોવા મળે છે.
- ઘણી વખત પથરીનું નિદાન આકસ્મિક રીતે થાય છે. જે પથરીનાં કોઈ ચિહ્નો હોતાં નથી તેને Silent Stone કહે છે.
- પીઠમાં અને પેટમાં સતત દુખાવો થાય.
- ઊલટી-ઊબકા થાય.
- પેશાબમાં લોહી જાય.
- પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા થાય.
- જો પથરી મૂત્રનલિકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય.
- પેશાબમાં પથરી નીકળવી.
- અમુક દર્દીઓમાં પથરીના લીધે વારંવાર મૂત્રમાર્ગમાં ચેપ અને પેશાબમાં અવરોધના કારણે કિડનીને સામાન્યથી લઈને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.
- પેશાબમાં વારંવાર ચેપ થાય.
પથરીના દુખાવાની લાક્ષણિકતા :
દુખાવાની તીવ્રતા અને દુખાવાનો પ્રકાર જુદી-જુદી વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે. મોટી પથરી વધુ દુખાવો કરે એ માન્યતા ખોટી છે.
- પથરીનો દુખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યા પ્રકારની છે તેના પર આધાર રાખે છે.
- પથરીનો દુખાવો એકાએક શરૂ થાય છે. આ દુખાવો ધોળા દિવસે તારા દેખાડી દે તેવો સખત અને અસહ્ય હોય છે.
- મોટી અને લીસી પથરી કરતાં નાની પણ ખરબચડી પથરી વધુ તીવ્ર દુખાવો કરે છે.
- કિડનીની પથરીનો દુખાવો કમરથી શરૂ થઈ આગળ નીચે પેડુ તરફ આવે છે.
- મૂત્રાશયની પથરીનો દુખાવો પેડુમાં અને પેશાબની જગ્યાએ થાય છે.
- આ દુખાવો સામાન્ય રીતે કલાકો સુધી રહે છે અને પછી ધીમેધીમે ઘટી જાય છે.
- મોટા ભાગે આ દુખાવો અત્યંત વધારે હોવાથી દર્દી ડૉક્ટર પાસે દોડી જાય છે અને દુખાવો ઘટાડવા દવા કે ઈન્જેકશનની જરૂર પડે છે.
શું પથરીને લીધે કિડની બગડી શકે છે?
- હા. કેટલાક દર્દીને મૂત્રમાર્ગમાં (કિડની કે મૂત્રવાહિનીમાં) મોટી પથરીને લીધે અડચણ ઊભી થાય છે, જેને લીધે કિડનીમાં બનતો પેશાબ સરળતાથી મૂત્રાશયમાં જઈ શકતો નથી અને કિડની ફૂલી જાય છે.
- જો આ પથરીની સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે ફૂલી ગયેલી કિડની ધીમેધીમે નબળી પડે છે અને છેવટે સાવકામ કરતી બંધ થઈ જાય છે. આ રીતે કિડની બગડી ગયા પછી પથરી કાઢવામાં આવે તોપણ કિડની ફરી સંતોષકારક કામ કરે તેવી શક્યતા નહીંવત હોય છે

Dr Ketan Rupala, M.B.B.S, M.S., DNB (Urology)
Rupala Kidney & Prostate Hospital