
How to Get Rid Of Kidney Stone? ( પથરીનું નિદાન અને સારવાર )
નિદાન
મૂત્રમાર્ગમાં થતી પથરીનું નિદાન :
પથરીના દર્દીઓમાં વિવિધ તપાસનો હેતુ પથરીનું નિદાન અને તેને કારણે થયેલી તકલીફોના નિદાન કરવાનું તથા પથરી થવા માટે જવાબદાર કારણનું નિદાન કરવાનું પણ છે.
રેડિયોલોજિકલ તપાસ :
સોનાગ્રાફી : આ ખૂબ જ સરળ, ઓછી ખર્ચાળ અને નાના મોટા સ્થળોમાં સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તેવી તપાસ છે. સોનોગ્રાફીની મદદથી મૂત્રમાર્ગમાં પથરી તથા તેના કારણે અવરોધનું નિદાન થઈ શકે છે.
એક્સ-રે : પથરીના કદ, આકાર અને સ્થાનની સચોટ માહિતી પેટના એક્સ-રે દ્વારા મળી શકે છે. પેટનો એક્સરે પથરીની સારવાર પહેલાં અને સારવાર બાદના ફેરફારો અંગે જાણકારી માટે સૌથી ઉપયોગી પદ્ધતિ છે. સી.ટી. સ્કેન (CT Scan) : સીટી સ્કેન પથરીના નિદાન તેનું કદ અને મૂત્રમાર્ગમાં અવરોધની અત્યંત સચોટ માહિતી માટેની સૌથી વધુ ઉપયોગી તપાસ છે.
આઈ.વી.પી. (Intravenous Pyelography)ની તપાસ : સામાન્ય રીતે આ તપાસ પાકા નિદાન અને ઓપરેશન કે દૂરબીન દ્વારા આપવામાં આવતી સારવાર પહેલાં કરવામાં આવે છે.
આ તપાસ દ્વારા પથરીનાં કદ, આકાર અને સ્થાનની સચોટ માહિતી ઉપરાંત કિડની કેવડી છે, તેની કાર્યક્ષમતા કેટલી છે અને કેટલી ફૂલેલી છે તેની માહિતી મળે છે.
કિડની ઓછી કામ કરતી હોય (લોહીના ક્રીએટીનીન રીપોર્ટમાં વધારો હોય) ત્યારે આ તપાસ કરવામાં આવતી નથી.
લેબોરેટરીની તપાસ :
પેશાબની તપાસ : પેશાબની સામાન્ય તપાસ દ્વારા પેશાબમાં ચેપનું નિદાન થાય છે. ૨૪ કલાકના એકઠા કરેલા પેશાબમાં ખાસ તપાસ દ્વારા કૅલ્શિયમ, ફોસ્ફરસ, યુરિક એસિડ, મેગ્નેશિયમ, ઓક્ઝેલેટ, સાઇટ્રેટ, સોડિયમ અને ક્રીએટીનીન માપવામાં આવે છે.
લોહીની તપાસ : પથરીના દર્દીઓમાં સામાન્ય રીતે કરવામાં આવતી કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ(CBC), ક્રીએટીનીન, ઇલેક્ટ્રોલાઇટ્સ અને બ્લડ સુગર છે. આ ઉપરાંત પથરી થવા માટેના કારણોના નિદાન માટે જરૂર મુજબ કરાવાતી લોહીની ખાસ તપાસો – કૅલ્શિયમ, ફોસ્ફરસ, યુરિક ઍસિડ અને પેરાથાઈરોઇડ હોર્મોન વગેરે છે.
સ્ટોન એનાલિસિસ (Stone Analysis) : કુદરતી રીતે કે સારવાર દ્વારા નીકળતી મૂત્રમાર્ગની પથરી તપાસ માટે સાચવવામાં આવે છે. આ પથરીના પૃથક્કરણ(Chemical Analysis) દ્વારા પથરી ક્યાં પદાર્થની બનેલી છે. તેનું નિદાન કરવામાં આવે છે. આ નિદાનના આધારે પથરી ફરી થતી અટકાવવા અથવા જે પથરી હજી નીકળી ન હોય તેનું કદ ન વધે તે માટેની સારવારનું યોગ્ય આયોજન કરવામાં આવે છે.પથરીના પૃથક્કરણના આધારે પથરી ફરી થતી અટકાવવા માટેની સારવારનું યોગ્ય આયોજન કરવામાં આવે છે.
અટકાવવાના સૂચનો
મૂત્રમાર્ગમાં પથરી અટકાવવાના ઉપાયો :
એકવાર પથરી થાય તેને વારંવાર ફરીથી થવાની શક્યતા રહે છે. આશરે ૫૦-૭૦% દર્દીઓમાં પથરી ફરીથી થાય છે. પરંતુ જરૂરી પરેજી અને યોગ્ય સારવાર દ્વારા પથરી ફરીથી થવાની શક્યતા ઓછી કરી શકાય છે અને ફક્ત ૧૦% જેટલા દર્દીઓમાં જ પથરી ફરીથી થવાનું જોખમ રહે છે. આથી પથરીના દરેક દર્દીએ યોગ્ય કાળજી, પરેજી અને સારવાર લેવી જોઈએ.
ફરી પથરી ન થાય એવું ઇચ્છતા પથરીના દર્દીઓએ હંમેશા માટે નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે :
૧. પ્રવાહી વધારે પીવું
- હંમેશા પ્રવાહી વધારે પીવું (૩ લિટર કે ૧૨થી ૧૪ ગ્લાસથી વધારે).
- આ ઉપાય પથરી બનતી અટકાવવામાં સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
- પથરી થતી અટકાવવા માટે પીવાના પાણીના પ્રકાર કરતાં તેનું પ્રમાણ વધુ અગત્યનું છે.
- પથરી થતી અટકાવવા માટે કેટલું પાણી પીવું છે તે કરતાં પણ કેટલો પેશાબ થાય છે તે વધુ અગત્યનું છે. રોજ બે લિટરથી વધારે પેશાબ થાય તેટલું પાણી પીવું જરૂરી છે.
- પેશાબ આખો દિવસ પાણી જેવો ચોખ્ખો ઉતરે તેનો મતલબ એ કે પ્રવાહી પૂરતા પ્રમાણમાં પીવામાં આવેલ છે. પીળો (ઘટ્ટ) પેશાબ પ્રવાહી ઓછું લેવામાં આવ્યું છે તેવું સૂચવે છે.
- ઉનાળા દરમિયાન વધુ પ્રવાહી પીવું સલાહભર્યું છે, કારણ કે ગરમી દરમિયાન વધુ પ્રમાણમાં પાણી પરસેવા દ્વારા બહાર નીકળી જાય છે.
પાણી વધારે પીવું તે પથરીની સારવાર અને ફરી થતી અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે.
પથરીના પૃથક્કરણના આધારે પથરી ફરી થતી અટકાવવા માટેની સારવારનું યોગ્ય આયોજન કરવામાં આવે છે.
પથરી બનતી અટકાવવા માટે કયા પ્રકારનું પ્રવાહી લેવું જોઈએ?
પ્રવાહીમાં નારિયેળ પાણી, જવનું પાણી, પાતળી છાસ, સાદા ઠંડાં પીણાં (જેમ કે મીઠા વગરની સોડા, લેમન), પાઇનેપલ જ્યુસ વગેરે વધારે પ્રમાણમાં લેવાથી પથરી બનવાની શક્યતા ઓછી રહે છે. પરંતુ લેવામાં આવતા કુલ પ્રવાહીમાં ૫૦% જેટલું પ્રવાહી સાદું પાણી લેવું જરૂરી છે.
પથરીની તકલીફ હોય તેવી વ્યક્તિએ કયા પ્રકારના પ્રવાહી ન લેવા જોઈએ?
દ્રાક્ષનો રસ, એપલ જ્યુસ, કડકચા, કૉફી, ચૉકલેટ અથવા વધુ ખાંડવાળા ઠંડાં પીણાં જેમ કે કોકાકોલા, બધી પ્રકારના દારૂ, બીયર વગેરે ન લેવા.
૨. મીઠું (નમક) ઓછું લેવું (Salt Restriction) : ખોરાકમાં વધુ પડતું મીઠું (નમક-સોડિયમ) લેવાથી કૅલ્શિયમની પથરી થવાનું જોખમ ખૂબ વધી જાય છે. આથી પથરીના દરેક વ્યક્તિએ ખોરાકમાં નમક ઓછા પ્રમાણમાં લેવું અગત્યનું છે.
૩. માંસાહારી ખોરાક ન લેવો : માંસાહારી ખોરાક જેમ કે મટન, ચિકન, માછલી, ઈંડા વગેરે ન લેવા. આ માંસાહારી ખોરાકમાં વધુ પ્રમાણમાં યુરિક ઍસિડ અને પ્યુરીન્સ ધરાવતા હોવાને કારણે યુરિક ઍસિડ સ્ટોન અને કૅલ્શિયમ સ્ટોન થવાની શક્યતા વધારે રહે છે.
૪. સમતુલિત ખોરાક : લીલા શાકભાજી અને તાજા ફળોનું વધારે પ્રમાણ ધરાવતા સમતુલિત ખોરાક લેવો. ફળોમાં કેળા, મોસંબી, ચેરી, પાઇનેપલ અને શાકભાજીમાં ગાજર, કારેલા, સિમલા મિર્ચ વગેરે વધુ લેવા. વ્હાઈટ બ્રેડ, પાસ્તાઅને વધુ ખાંડયુક્ત ખોરાક ન લેવો, કારણકે વધુ ગળપણવાળો ખોરાક કિડનીમાં પથરી થવા માટે મદદ કરે છે.
૫. અન્ય સૂચનાઓ : વિટામિન-સી વધુ માત્રામાં ન લેવું. રાત્રેવધુ ભારે ખોરાકન લેવો. મેદસ્વી વ્યક્તિઓમાં પથરીનું જોખમ વધારે હોવાને કારણે સમતોલ ખોરાક લઈ વજન કાબૂમાં રાખવું.પૂરતું પ્રવાહી લેવામાં આવે એની ખાતરી એટલે કે આખો દિવસ પાણી જેવો ચોખ્ખો પેશાબ.
પાણી વધારે પીવું તે પથરીની સારવાર અને ફરી થતી અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે.
પથરીના પ્રકાર મુજબ જરૂરી કાળજી :
કૅલ્શિયમની પથરી માટે કાળજી :
- ખોરાક : પથરીના દર્દીઓએ કૅલ્શિયમ ધરાવતો ખોરાક ઓછો લેવો જોઈએ તે માન્યતા ખોટી છે. રોજના ખોરાકમાં કૅલ્શિયમ ધરાવતા દૂધ, દૂધની વાનગીઓ વગેરેનો સમાવેશ કરવાથી પથરી બનતી અટકાવી શકાય છે. કૅલ્શિયમ ખોરાક્માંના ઓક્ષલેટ સાથે ભળી તેનું પેટમાંથી શોષણ ઘટાડે છે અને આ પ્રકારે પથરી બનતી અટકાવે છે. ખોરાકમાં ઓછું કૅલ્શિયમ હોય ત્યારે પેટમાંથી ઓક્ષલેટનું વધુ પ્રમાણમાં શોષણ પથરી બનવામાં મદદ કરે છે.
- વધારે કે ઓછું કૅલ્શિયમ ધરાવતો ખોરાક ન લેવો, કારણ કે બન્ને પથરી થવાનું જોખમ વધારે છે.
- દવાઓ : કૅલ્શિયમની પથરી થતી અટકાવવા માટે થાયેઝાઈડ નામની દવાઓ મદદરૂપ થાય છે.
- અન્યસૂચનો : વજન ઘટાડવું.
ઓક્ષલેટ ધરાવતી પથરી માટે પરેજી :
નીચે મુજબનો વધુ ઓક્ષલેટ ધરાવતો ખોરાક ઓછો લેવો.
- શાકભાજી : ટમેટા, ભીંડા, રીંગણા, પાલકની ભાજી, સરગવો, કાકડી.
- ફળો : સ્ટ્રોબેરી, રાસબેરી, ચીકુ, આમળા, સીતાફળ, કાજુ.
- પીણાં : કડક ઉકાળેલી ચા, દ્રાક્ષનો જ્યુસ, કેડબરી, કૉકો, ચૉકલેટ, થમ્સ-અપ, પેપ્સી, કોકાકોલા.
કેલ્શિયમની પથરી થતી અટકાવવા માટે ખોરાકમાં નમક(મીઠું)નું પ્રમાણ ઓછું લેવું મહત્ત્વનું છે.
પૂરતું પ્રવાહી લેવામાં આવે એની ખાતરી એટલે કે આખો દિવસ પાણી જેવો ચોખ્ખો પેશાબ.
યૂરિક ઍસિડ સ્ટોન ધરાવતા દર્દીઓ માટે સૂચનાઓ :
- પુષ્કળ પાણી પીઓ.
- દરરોજ કસરત કરો અને વજન ઘટાડો.
- કઠોળ તથા નોન-વેજ ખોરાક ન લેવો.
- શાકભાજી જેમ કે કારેલા, લીંબુ અને ગાજર વધુ લેવા.
- શાકભાજી જેમ કે ફ્લાવર, પાલક, ટામેટા, સૉયાબીન, શતવારી ન લેવા.
- આલ્કોહૉલયુક્ત પીણાંનું સેવન ન કરો.
- ચરબીયુક્ત ખોરાક જેમ કે સલાડ ડ્રેસિંગ, આઇસક્રીમ, તળેલા પદાર્થ ન લેવા.
- ઠંડાં પીણાં તથા ખાંડયુક્ત ઠંડાં પીણાં ન લેવા.
- દિવસમાં ચા/કૉફી બે વખતથી વધુ વાર ન લેવા.
૫૦% કરતાં વધુ પથરી નાની હોવાથી વધુ પ્રવાહી લેવાથી કુદરતી રીતે પેશાબમાં નીકળી જાય છે.
સારવાર
મૂત્રમાર્ગમાં પથરીની સારવાર :
પથરી માટે કઈ સારવાર જરૂરી છે તે પથરીના કદ, પથરીનું સ્થાન, તેને કારણે થતી તકલીફ અને જોખમોને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે. આ સારવારના બે મુખ્ય પ્રકાર છે :
(એ) દવા દ્વારા સારવાર (Conservative Medical Treatment)
(બી) સર્જિકલ સારવાર
(એ) દવા દ્વારા સારવાર :
૫૦% કરતાં વધુ દર્દીઓમાં પથરી નાની હોય છે અને કુદરતી રીતે જ ત્રણથી છ અઠવાડિયામાં પેશાબમાં નીકળી જાય છે. આ દરમિયાન દર્દીને પીડામાં રાહત આપવા અને પથરી ઝડપથી નીકળે તે માટે મદદ કરવા આ સારવાર આપવામાં આવે છે.
૧. દવા તથા ઈન્જેકશનો :
પથરીના અસહ્ય દુખાવાને ઘટાડવા કે મટાડવા માટે સમયસર, આખો દિવસ પૂરતી અસર કરે તેવી દર્દશામક (Analgesic) ગોળી કે ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે.
૨. વધારે પ્રવાહી :
દુખાવો મટી જાય ત્યારબાદ પથરીના દર્દીઓને વધારે પ્રવાહી-પાણી પીવાની સૂચના આપવામાં આવે છે. વધારે પ્રવાહી લેવાથી પેશાબનું પ્રમાણ વધે છે અને તેથી પેશાબમાં પથરી નીકળી જવામાં મદદ મળે છે. જ્યારે ઊલટીને કારણે પ્રવાહી પીવું શક્ય ન હોય તેવા દર્દીઓને બાટલા દ્વારા પ્રવાહી આપવામાં આવે છે. બીયર પીવો તે પથરી કાઢવા માટેની અકસીર સારવાર છે તે ખોટી માન્યતા છે. પેશાબમાં ક્યારે પથરી નીકળે તે નક્કી નથી હોતું આથી પેશાબ ગરણી કરવો તે પથરી મેળવવાની સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ છે.
૩. પેશાબના ચેપની સારવાર :
પથરીના ઘણા દર્દીઓમાં પેશાબના ચેપનો પ્રશ્ન જોવા મળે છે, જેની એન્ટિબાયોટિક્સ દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે.
અન્ય સૂચનો : કૅલ્શિયમ ચેનલ બ્લોકર્સ અને આલ્ફા-બ્લોકર્સ દવાઓ પથરીને કુદરતી રીતે નીકળવામાં મદદ કરે છે.
પથરીના ઘણા દર્દીઓમાં પેશાબના ચેપની તકલીફ જોવા મળે છે, જેની યોગ્ય સારવાર જરૂરી છે.૭૦% દર્દીઓમાં પથરી ફરીથી થઈ શકે છે, તેથી હંમેશા પરેજી અને સૂચના મુજબ તપાસ કરાવવી જરૂરી છે.
કેલ્શિયમની પથરી થતી અટકાવવા માટે ખોરાકમાં નમક(મીઠું)નું પ્રમાણ ઓછું લેવું મહત્ત્વનું છે.
(બી) સર્જિકલ સારવાર :
વધારે પ્રવાહી, ખોરાકમાં પરેજી અને યોગ્ય દવા દ્વારા પૂરતા સમય માટે સારવાર છતાં ઘણા દર્દીઓની પથરી કુદરતી રીતે નીકળતી નથી. આવી પથરીઓની સારવાર માટે જુદા-જુદા ઘણા સર્જિકલ વિકલ્પો છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ લિથોટ્રીપ્સી(ESWL), પરક્યુટેન્યસ નેફોલિથોટ્રીપ્સી (PCNL) અને યુરેટરો સ્કોપી છે. જ્યારે ઓપરેશન કરી (Open Surgery) પથરી કાઢવાની જરૂરિયાત ખૂબ જ ઓછા દર્દીઓમાં પડે છે.
પથરીના કદ, સ્થાન અને પ્રકારને ધ્યાનમાં લઈ કઈ પદ્ધતિ દર્દી માટે ઉત્તમ છે તે યુરોલોજિસ્ટ અથવા સર્જન નક્કી કરે છે.
શું દરેક પથરી તાત્કાલિક કાઢવી જરૂરી છે?
ના, જો પથરીને કારણે મૂત્રમાર્ગમાં અવરોધ ન હોય, કિડની બગડતી ન હોય, દુખાવો થતો ન હોય, પેશાબમાં ચેપ કે લોહી આવતા ન હોય તો આવી પથરીને તાત્કાલિક કાઢવાની જરૂર રહેતી નથી. ડૉક્ટર આ પથરી પરની કાળજીપૂર્વકની દેખરેખ દ્વારા ક્યારે કઈ પદ્ધતિથી તેને દૂર કરવી હિતાવહ છે તેની સલાહ આપે છે.
પથરી ક્યારે તાત્કાલિક કાઢવી જરૂરી છે?
- ખૂબ જ મોટી પથરી જે કુદરતી રીતે નીકળી ન શકે.
- મૂત્રમાર્ગમાં અવરોધ કરતી પથરી જેને કારણે કિડની ફૂલીને બગડી શકે.
- જે પથરીને કારણે પેશાબમાં વારંવાર લોહી કે રસી આવે કે કિડનીને નુકસાન થતું હોય તેને સર્જિકલ સારવાર દ્વારા કાઢવી જરૂરી છે.
પથરીને કારણે બન્ને કિડની કે એક જ કિડની ધરાવતા દર્દીના મૂત્રમાર્ગમાં એકાએક અવરોધ થાય ત્યારે પેશાબ આવતો બંધ થઈ જાય અને કિડની ફેલ્યર જોવા મળે છે. આવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તાત્કાલિક મૂત્રમાર્ગનો અવરોધ દૂર કરવાથી ગંભીર જીવલેણ પરિસ્થિતિથી બચાવી શકાય છે.લિથોટ્રીપ્સી ઓપરેશન વગર પથરી દૂર કરવાની આધુનિક અને અસરકારક પદ્ધતિ છે.
૫૦% કરતાં વધુ પથરી નાની હોવાથી વધુ પ્રવાહી લેવાથી કુદરતી રીતે પેશાબમાં નીકળી જાય છે.
૧. લિથોટ્રીપ્સી (ESWL-Extracorporeal Shock Wave Lithotripsy) :
કિડની અને મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં આવેલ પથરીઓ દૂર કરવાની આ અત્યંત આધુનિક અને અસરકારક પદ્ધતિ છે.
આ પદ્ધતિમાં ખાસ જાતના લિથોટ્રીપટર મશીનમાંથી ઉત્પન્ન કરેલાં શક્તિશાળી મોજાં(Shock Waves)ની મદદથી પથરીનો રેતી જેવો ભૂકો કરવામાં આવે છે, જે ધીમેધીમે થોડા દિવસોમાં પેશાબ સાથે બહાર નીકળી જાય છે. લિથોટ્રીપ્સી કર્યા બાદ દર્દીને ખૂબ પ્રવાહી પીવાનું કહેવામાં આવે છે જેથી ભૂકો થઈ ગયેલી પથરી સરળતાથી પેશાબમાં નીકળી જાય.
મોટી પથરી માટે લિથોટ્રીપ્સી કરવામાં આવે ત્યારે પથરીનો ભૂકો વધુ માત્રામાં બને છે, જેને કારણે મૂત્રવાહિનીમાં અડચણ થવાની શક્યતા રહે છે. આ જોખમ અટકાવવા માટે કિડની અને મૂત્રાશયને જોડતી એકનરમ પ્લાસ્ટિકની નળી મૂકવામાં આવે છે, જેને સ્ટેન્ટ(DJ Stent) કહેવાય છે.
પથરીની સારવાર માટે આ પદ્ધતિ ખૂબ જ સલામત છે. અમુક વખત લિથોટ્રીપ્સી કર્યા બાદ થતા સંભવિત જોખમો કે તકલીફોમાં પેશાબમાં લોહી આવવું, મૂત્રમાર્ગમાં ચેપ થવો, પથરી દૂર કરવા એક કરતાં વધુ વખત આ સારવાર આપવી પડવી, પથરીના ટુકડાઓને કારણે મૂત્રમાર્ગ અવરોધ થવો અને કિડનીને નુકસાન થતા લોહીના દબાણમાં વધારો થવો વગેરે છે.
ફાયદાઓ :
- સામાન્ય રીતે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર રહેતી નથી.
- ઓપરેશન કર્યા વગર, દૂરબીન વગર, બેભાન કર્યા વગર પથરી નીકળી શકે છે.
- દુખાવો ખૂબ જ ઓછો અથવા નહિવત્ જેવો થાય છે અને બધી ઉંમરના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે.
ગેરફાયદાઓ :
- વધુ જાડા વ્યક્તિઓમાં મોટી પથરી માટે આ પદ્ધતિ અસરકારક નથી.
- સગર્ભાવસ્થા, ભારે ચેપ, લોહી ગંઠાવાના કાર્યમાં ક્ષતિઅને લોહીનું દબાણ કાબૂમાં ન હોય ત્યારે લિથોટ્રીપ્સી સલામત નથી.
- ઘણીવાર પથરી દૂર કરવા એક કરતાં વધુ વખત આ સારવાર આપવી પડે છે.
- પથરી નીકળવાની સાથે દુખાવો કે ક્યારેક પેશાબનો ચેપ થઈ શકે છે.
- મોટી પથરીની સારવાર માટે દૂરબીનની મદદથી કિડની અને મૂત્રાશય વચ્ચેખાસ જાતની નળી (DJ Stent) મૂકવાની જરૂર પડે છે.
લિથોટ્રીપ્સી કર્યા બાદ નિયમિત ડૉક્ટરને બતાવવું, અમુક સમયે જરૂરી તપાસ કરાવવી અને ફરી પથરી ન થાય તેના માટે બધી કાળજી અને પરેજી રાખવી અત્યંત જરૂરી છે.મોટી પથરી માટે એકથી વધુ વખત લિથોટ્રીપ્સીની જરૂર પડે છે.
૭૦% દર્દીઓમાં પથરી ફરીથી થઈ શકે છે, તેથી હંમેશા પરેજી અને સૂચના મુજબ તપાસ કરાવવી જરૂરી છે.
૨. કિડનીની પથરીની દૂરબીન દ્વારા સારવાર (PCNL – Per Cutaneous Nephro Lithotripsy) :
- કિડનીની પથરી જ્યારે એક સે.મી. કરતાં વધારે મોટી હોય ત્યારે તેને દૂર કરવાની આ અદ્યતન અને ઉત્તમ પદ્ધતિ છે. જ્યારે યુરેથ્રોસ્કોપી અથવા લિથોટ્રીપ્સી દ્વારા પથરી નીકળે ત્યારે PCNL એ શ્રેષ્ઠ પદ્ધતિ છે.
- આ પદ્ધતિમાં દર્દીને બેભાન કરી પડખામાં, કિડનીની જગ્યા ઉપર નાનો કાપો મૂકી, કિડની સુધી માર્ગ-કાણું બનાવી, કિડનીમાં પથરી હોય ત્યાં સુધી નળી મૂકવામાં આવે છે.
- નેફ્રોસ્કોપ એ ખાસ પ્રકારનું સાધન જેની મદદ દ્વારા પથરી જોઈ શકાય છે. આ નળીમાંથી પથરી જોઈ શકાય છે. નાની પથરીને શોકવેવથી ભૂકો કરી દૂર કરવામાં આવે છે.
- પી.સી.એન.એલ. સામાન્ય રીતે સલામત પદ્ધતિ છે. પરંતુ દરેક ઓપરેશનની જેમ આ ઓપરેશનમાં પણ લોહી જવું, ચેપ લાગવો, બીજા અવયવોને ઈજા થવી વગેરે તકલીફો થઈ શકે છે.
ફાયદાઓ :
સામાન્ય રીતે પેટ ખોલીને કરવામાં આવતા પથરીના ઓપરેશનમાં પીઠ અને પેટ પર લગભગ ૧૨થી ૧૫ સે.મી. જેટલો લાંબો કાપો મૂકવો પડે છે પરંતુ આ આધુનિક પદ્ધતિમાં ફક્ત ૧ સે.મી. જેટલો નાનો કાપો કમર ઉપર મૂકવામાં આવે છે જેથી ઓપરેશન બાદ ટૂંકા સમયમાં દર્દી રોજિંદું કાર્ય શરૂ કરી શકે છે.પથરીની દૂરબીન દ્વારા સારવારથી (PCNL) ઓપરેશનની જરૂરિયાત ટાળી શકાય છે.
લિથોટ્રીપ્સી ઓપરેશન વગર પથરી દૂર કરવાની આધુનિક અને અસરકારક પદ્ધતિ છે.
૩. યુરેટરોસ્કોપી (Ureteroscopy-URS)
મૂત્રાશય અને મૂત્રવાહિનીમાં આવેલી પથરીની દૂરબીનથી સારવાર :
મૂત્રવાહિનીના મધ્ય અને નીચેના ભાગમાં આવેલ પથરીને સફળતાપૂર્વક કાઢવા માટે આ સૌથી અસરકારક અને શ્રેષ્ઠ પદ્ધતિ છે.
- આ તપાસમાં યુરેટરોસ્કોપ તરીકે ઓળખાતી હળવી, પાતળી અને સરળતાથી વળી શકે તેવી આગળના ભાગમાં કેમેરો ધરાવતી નળીનો ઉપયોગ થાય છે.
- આ પદ્ધતિમાં ઓપરેશન કે કાણું પાડ્યા વગર પેશાબ કરવાના માર્ગમાંથી ખાસ જાતના દૂરબીન (Cystoscope કે Ureteroscope)ની મદદથી પથરી સુધી પહોંચવામાં આવે છે અને પથરીને ‘શોકવેવપ્રોબ’ દ્વારા ભૂકો કરીને દૂર કરવામાં આવે છે.
- આ પદ્ધતિનો મોટો ફાયદો એ છે કે દર્દી તરત ઘરે જઈ શકે છે અને બે ત્રણ દિવસમાં જ સામાન્ય જીવન જીવી શકે છે. સગર્ભાવસ્થામાં, જાડા દર્દીઓમાં અને લોહી ગંઠાવાની તકલીફવાળા દર્દીઓમાં પણ આ પદ્ધતિ સલામત છે.
- આ સારવારના સંભવિત જોખમોમાં પેશાબમાં લોહી જવું, મૂત્રમાર્ગનો ચેપ થવો કે ઈજા થવી વગેરે છે.
૪. ઓપરેશન (Open Surgery) :
આ પદ્ધતિમાં પેટમાં લાંબો કાપો મૂકી, કિડની સુધી પહોંચી ઓપરેશન દ્વારા પથરી દૂર કરવામાં આવે છે. મોટા ઓપરેશન બાદ દુખાવો થવો અને હૉસ્પિટલમાં વધુ દિવસ રોકાવું તે આ સારવારના મોટા ગેરફાયદા છે. નવી આધુનિક પદ્ધતિઓની ઉપલબ્ધિને કારણે ચેકો મૂકી ઓપરેશન કરવાની જરૂરિયાત ખૂબ જ ઓછા દર્દીમાં પડે છે. આ ઓપરેશનનો મુખ્ય ફાયદો એ છે કે એક જ ઓપરેશન દ્વારા વધુ સંખ્યામાં અને અને મોટી પથરી હોય તો એક જ વખતમાં કાઢી શકાય છે.મૂત્રવાહિનીના મધ્ય અને નીચેના ભાગમાં આવેલ પથરી ઓપરેશન વગર દૂરબીનથી સફળતાપૂર્વક કાઢી શકાય છે.
મોટી પથરી માટે એકથી વધુ વખત લિથોટ્રીપ્સીની જરૂર પડે છે.
શું એકવાર પથરી નીકળી જાય કે સારવારથી દૂર કરવામાં આવે એટલે પથરીના રોગથી સંપૂર્ણ મુક્તિ મળી જાય છે?
ના. એકવાર જે દર્દીને પથરી થઈ હોય તેને ફરી પથરી થવાની શક્યતા ૫૦થી ૭૦% જેટલી છે, તેથી દરેક દર્દીએ સજાગ રહેવું જરૂરી છે.
પથરીની બીમારીવાળા દર્દીઓ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો?
નીચે મુજબની તકલીફ પથરીની બીમારીવાળા દર્દીઓમાં જોવા મળે ત્યારે ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો :
- અસહ્ય પેટનો દુખાવો થાય અને દવાથી ન મટે.
- ઊલટી ઊબકા વધારે થાય અને દવા કે પ્રવાહી ન લઈ શકાય.
- ઠંડી સાથે તાવ અને પેશાબમાં બળતરા સાથે પેટમાં દુખાવો.
- પેશાબમાં લોહી આવે.
- પેશાબ સાવ બંધ થઈ જાય.