
સ્કર્વી
એસ્કોર્બીક એસીડ (વિટામીન સી) ની અછત હોય તો “સ્કર્વી” નામનો રોગ થાય છે. બાળકને હાડકામાં દુખાવો થાય છે. શરૂઆતમાં બાળક ચીડિયું બને છે. પણ દુખાવો વધતાં અસહાય અને પથારી વશ થાય છે. કારણ તાકાત હોવા છતાં, દુખાવાને કારણે હાથ-પગ હલાવી શકતું નથી. મોટા બાળકોમાં દાંત પેઢા ફૂલી જાય છે અને તેમાંથી લોહી નીકળે છે.
આવા ભયંકર પરિણામ ખોરાકની અથવા તેના ઘટકોની બહુજ અછત હોય તો દેખાય અને આવા કેસ તો પ્રમાણમાં ઓછા હોય છે. સાધારણ ઉણપ હોય તો બાહ્ય પરિણામો દેખાતા નથી પણ બાળકની કાર્યશક્તિ ઘટે છે. પરિણામે બાળક રમતમાં અને અભ્યાસક્રમાં પાછળ પડે છે.
પહેલા બે વર્ષમાં બાળકમાં મગજનો વિકાસ ઝડપથી થાય છે. ત્યારે બાળકને પુરતો પૌષ્ટિક ખોરાક ના મળે, તો મગજનો વિકાસ ઓછો થઇ બાળકની બુદ્ધિ પ્રમાણમાં ઓછી થઇ જવાની શક્યતા રહે છે. રોગનો પ્રતિકાર કરવાની શક્તિ પણ ઓછી થાય છે. અને જાતજાતના ચેપી રોગોનો તે બહુ સહેલાઈથી શિકાર બને છે. તંદુરસ્ત બાળક છાશવારે માંદુ પડતું નથી. અને કદાચ માંદુ પડે તો જલ્દી સારું થાય છે. નબળું બાળક વારે ઘડીએ માંદુ પડે છે અને કદાચ તેમાં જ તેનું મરણ પણ થાય છે.
આપણા દેશમાં ઘણા બાળકોને પુરતો અને પૌષ્ટિક આહાર મળતો નથી. પરિણામે આપણા દેશમાં તથા ચેપી રોગનું અને તેથી થતાં બાળ મૃત્યુ પ્રમાણ ચિંતાજનક છે. બાળકોને યોગ્ય સમયે યોગ્ય ખોરાક પૂરતા પ્રમાણમાં આપી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું અગત્યનું છે.
બાળકોનો પુરતો અને યોગ્ય આહાર મળતો નથી તેના બે મુખ્ય કારણો છે. એક તો તેમેણ જોઈએ તેટલો ખોરાક ગરીબી અને અછતને કારણે માં-બાપ આપી શકતાં નથી. બીજું, ખોરાક પૂરતા પ્રમાણમાં મેળવવાની ક્ષમતા હોઅવા છતાં અજ્ઞાન અને ખોટી માન્યતાઓને લીધે બાળકને યોગ્ય રીતે ખોરાક આપવામાં આવતો નથી. ગરીબી અને અછતના પ્રશ્નનો ઉકેલ તો રાષ્ટ્રીય સ્તર ઉપર થઇ શકે અને તેના ઉકેલ માટેની જવાબદારી સરકારની નીતિ અને વહીવટ રહે છે. છતાં વ્યક્તિગત રીતે ઘણું કરી શકાય છે. જે મળે તેનો યોગ્ય ઉપયોગ કરીને બાળકને સસ્તો પણ પૌષ્ટિક આહાર આપી શકાય છે. તે માટે પ્રણાલિકા અને ખોટી માન્યતાને બદલે વિજ્ઞાનીક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. બાળકો માટેના ખોરાક પ્રત્યે ઘણા ખોટા ખ્યાલ અગર ખોટી માન્યતાને લીધે જન્મથી જ બાળકોને પૌષ્ટિક ખોરાક મળતો નથી.