
નવજાત બાળકની સંભાળ (ભાગ -૧ )
પ્રચલિત રૂઢી પ્રમાણે જન્મ્યા પછી બાળકને સવા મહિના સુધી ઘરેજ રાખવામાં આવે છે. બહાર લઇ જવામાં આવતું નથી. આ રીવાજ બાળકને માટે સારો છે. કારણ બાળક નબળું હોય છે. રોગનો પ્રતિકાર કરવાની શક્તિ તેનામાં ઓછી હોય છે. નાના બાળકને ચેપ બહુ જલ્દી લાગી જાય છે. ભલે આપણી દ્રષ્ટીએ શરદી સામાન્ય હોય, તો પણ ! શરૂઆતના મહિનામાં બાળકની સારસંભાળ રાખવી ખુબજ અગત્યની છે.
માતાનું દૂધ :
માતાનું ધાવણ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે અને યોગ્ય શારીરિક, માનસિક વિકાસનો પાયો છે. જન્મ્યા પછી બાળકને જેમ બને તેમ વહેલું ધાવણ આપવું જોઈએ.સુવડાવવામાં માતા બહુ થાકી ણ હોય તો તરત જ આપી શકાય. બાળક જો નબળું હોય પણ ધાવવાને સમર્થ હોય તો જેમ બને તેમ વહેલું ધાવડાવવું ખુબજ હિતાવહ છે. શરૂઆતના થોડા દિવસોમાં માતાનું ધાવણ પરિપક્વ દૂધ કરતાં જુદું હોય છે. તેથી ઘણા લોકો તેને ભારે અપથ્ય માને છે. તેમજ દૂધ તો ચોથે દિવસેજ ઉતરશે એવું સમજીને બાળકને મધ, ખાંડ, કે પતાસાં કે ગ્લુકોઝનું પાણી પીવડાવે છે. આ તદ્દન ખોટી માન્યતા અને નુકશાનકારક પ્રણાલિકા છે. ખીરું ઓછી માત્રામાં પેદા થતું હોવા છતાં બાળકની જરૂરિયાત સંતોષવા પુરતું હોય છે અને નવજાત બાળક માટે પાચનમાં સહેલો, પૌષ્ટિક અને સંરક્ષક આહાર છે. આથી જ ખીરું નવજાત શિશુ માટે પહેલા રશીકરણ સમાન ગણવામાં આવ્યું છે.
આજકાલ સિઝેરિયનથી પ્રસૃતીનું પ્રમાણ વધ્યું છે. સામાન્ય ધારણા એવી હોય છે કે સિઝેરિયન પછી થોડાક દિવસ માતાનું ધાવણ આપવું શક્ય નથી.જે સાચું નથી. સિઝેરિયન પછી ત્રણથી ચાર કલાકમાં નવજાત શિશુને માતાની બાજુમાં સુવડાવીને કે બીજી કોઈ માતા અનુકુળ હોય તેવી અવસ્થામાં રાખી બાળકને દૂધ પીવડાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ડોકટરો અને સ્ટાફે આ માટે માતાને પુરતું પ્રોત્સાહન આપવું જરૂરી બનીજાય છે.
યોગ્ય અને સંપૂર્ણ સ્તનપાન માટે બાળકની ધાવવાની પધ્ધતિ યોગ્ય હોવી જોઈએ. બાળકને યોગ્ય પધ્ધતિ અપનાવવી હોય તો નીપલ નો ભાગ મોમાં રહે તથા બાળકની દાઢીનો ભાગ સ્તન ને અડીને રહે અને બાળકની પીઠ અને છાતી માતાના પેટના સંપર્કમાં રહે એ સ્થિતિ યોગ્ય માનવામાં આવી છે. બાળક જો પહેલેથીજ બહારનું દૂધ/પાણી વગેરે આપવામાં આવે તો તેને મોઢું સહેજ ખોલીને પીવાની ટેવ પડે છે અને તેથી બાળક એકલું નીપલ મોઢામાં પકડીને દૂધ પીવે છે. તેથી બાળક સંતોષકારક રીતે ભૂખ પૂરી કરી શકતો નથી. બાળક 8 થી ૧૦ વાર પ્રયત્ન કરે છે, તે નીપલ ને ચાવવાની કોશીસ કરે છે, ચૂસે છે, મુંઝવાય છે અને આખરે નિરાશ થઈને છોડી દે છે. ખોટી ટેવ છોડાવીને સાચી પદ્ધતિ કેળવવી હંમેશા અઘરી છે. તેથી બાળકને માતાના દૂધ સિવાય કશું આપવું જોઈએ નહિ. પ્રથમ ૬ મહિના “ફક્ત માતાનું દૂધજ” એ નિયમ હંમેશા યાદ રાખવો જોઈએ. ફક્ત માતાનું ધાવણ એટલે ફક્ત માતાનું ધાવણ, પાણી પણ આપવું જરૂરી નથી. ફક્ત જરૂરી દવાઓજ આપવી જોઈએ.
માતાનું દુધનો સ્ત્રાવ વધારવા માટે “બાળક સ્તનપાન વધુ કરે” એ એક યોગ્ય અનેસરળ ઉપાય છે અને તે શરૂઆતથીજ અપનાવવો જોઈએ. બીજી કોઈ દવાની ચોક્કસ એવી અસર થતી નથી. શરૂઆતમાં બાળક રડે તો ઉતાવળે ” દૂધ ઓછું પડે છે ” એવું માનીને, તેને ડેરી કે ડબ્બાનું દૂધ પીવડાવવામાં આવે તે ખોટું છે. બાળક જેમ વધારે ધાવે તેમ માતામાં દૂધ વધુ સ્ત્રવે છે. તને જો ઉપરનું બહારનું દૂધ પીવડાવવામાં આવે તો માતાનું દૂધ ઓછુ પીવે છે બાળક અને માતાનું ધાવણ ઓછું થાય છે. જો બાળકને વધુ દુધની જરૂર પડે છે એવું લાગે તો કલાકે કલાકે બાળકને સ્તનપાન કરાવવું જોઈએ.
ધ્યાન રાખવા જેવી બાબતો :
- બાળકની જરૂરત પ્રમાણે સ્તનપાન કરાવવું
- દૂધ પીવડાવતી વખતે માતા અને બાળકની યોગ્ય શારીરિક પોઝીસન
- માતાનો આત્મવિશ્વાસ
કોઈ બાળક ૨-3 મિનીટમાં જ જરૂર જેટલું દૂધ મેળવી લે છે. કોઈને દરેક બાજુએ ૧૫-૨૦ મિનીટ લાગે. આથી બાળક કેટલી વાર સુધી ધાવે તેનો કોઈ નિયમ હોય નહિ, પણ બાળકને જેટલા સમય માટે ધાવે ત્યાં સુધી સ્તનપાન કરાવવું જોઈએ. શરૂઆતનું ધાવણ પાતળું હોય અને તેમાં પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને પાણી વધુ પ્રમાણમાં હોય તેથી શરૂઆતનું ધાવણ બાળકની તરસ છીપાવવા જરૂરી હોય છે. પછીનું દૂધ ચરબી યુક્ત હોય છે. તેથી જરૂરી કેલરી પૂરી પાડે છે. આમ બાળકના સર્વાંગી વિકાસ માટે શરૂઆતનું અને પાછલું બંને દૂધ જરૂરી છે. આ કારણથી બાળકને એક સ્તન પર પુરતો સમય ધવડાવ્યા પછીજ બીજા સ્તન પર લેવું જોઈએ.
માતાનો આત્મવિશ્વાસ :
ઘણી માતાઓને ખોટી ધારણા હોય છે કે તેમણે ધાવણ ઓછું આવે છે. આ ચિંતામાં તેમનું ધાવણ ખરેખર ઓછું થઇ જાય છે. ધવડાવતી વખતે બીજા સ્તન માંથી દુધનો સ્ત્રાવ થવો, બાળક ૬ થી વધારે વખત પેશાબ થવો, નવજાત શીશુનના વજનમાં યોગ્ય વૃદ્ધિ એ ધાવણ પુરતું હોવાની ચોક્કસ નિશાનીઓ છે. બાળકને ઓછું પડતું હોય તો પણ ઉતાવળે બહારનું દૂધ ચાલુ કરવું નહિ. તે માટે ડોક્ટરની સલાહ લો.
દુધની સાથે સાથે બાળકો હવા પણ પેટમાં લે છે. અને બાળક સુતું હોય તો હવાની સાથે દૂધ નીકળીને ઉલટી થાય. તેથી ધવડાવ્યા પછી બાળકને ખભે ર્રાખી થાબડવું અને તેને ઓડકાર આવ્યા પછી સુવડાવવું.
ધાવણ બાળક માટે કુદરતી, તેના માટે બધીજ રીતે અનુકુળ એવો ખોરાક છે. સ્તનપાન અશક્ય હોય તોજ બહારનું દૂધ આપવું જોઈએ. કોઈ પણ સમજી શકે તેવું આ સત્ય છે. તેમ છતાં ઘણી વખત અજ્ઞાનતાને કારણે અથવા તો ખોટી દોરવણી ને કારણે માતાઓ એમાં ભૂલ કરતી હોય છે. બાળકને સરવોત્તમ ખોરાક આપવાનો સર્વોપરી પ્રયત્ન કરવાને બદલે ઉતાવળે તેને ઉતરતી કક્ષાનો ખોરાક આપવાનું ચાલુ કરે છે.